### બંધ કર : તરહી ગઝલ ###
સૂર્ય સામે તાકવાનું બંધ કર!
વાદળાં વરસાવવાનું બંધ કર!
હું મને માપી શક્યો છું ક્યાં હજી?
પણ મને તું માપવાનું બંધ કર!
બારીઓ બાવન ખૂલી ગઈ છે હવે
દ્વાર બંને વાસવાનું બંધ કર!
ફાટલી ચાદર જશે ફાટી વધુ
મ્હેર કર ને સાંધવાનું બંધ કર!
પર્ણ પીળાં થઈ ગયાં, ખરશે હવે
ડાળીઓ તું ઝાડવાનું બંધ કર!
ઝાંઝવાનાં જળ હશે તો ચાલશે
તું મને તરસાવવાનું બંધ કર!
આયનામાં તો "હરિ" દેખાય છે
આંખમાં ધૂળ નાખવાનું બંધ કર!
હરિહર શુક્લ "હરિ"
No comments:
Post a Comment