Sunday, 24 March 2019

૧૫, ગીત

ધીમું ધીમું રે સાંયાજી તું જંતર વગાડ,
હું મૂળસોતી ઓગળું એવું તો કાંઈ મને ભીતરે દઝાડ.

મને ઊતરડી નાખ, મને ઝંઝેડી નાખ,
મને ઝાડવાંની જેમ સાવ ખંખેરી નાખ !

ધખધખતાં દઈ દે તું દરદો મને ને પછી તું પોતે દવા લગાડ.
ધીમું ધીમું રે સાંયાજી...

મને તોડી તું નાખ, મને ફોડી તું નાખ;
મને અંતરની આરતથી જોડી તું નાખ.

ભૂલી પાડીને મને મારાં પંથેથી પછી તું પોતે રસ્તો દેખાડ.
ધીમું ધીમું રે સાંયાજી...

અનિલ વાળા

હડાફ બમ બમ હડાફ બમ બમ હડાફ બમ બમ થાય !
લાગણિયુંનાં અબ્બાતબ્બા એતાની દરવાજે ઘૂલ્યાં-ચૂબ્બ કરી અડબાગે ઝૂલ્યાં
.... હડાફ બમ બમ થાય !

ધરતી બિતર શુંગા લેજુ કાઠે કેબર
ધીધાં ધડબડ પડથર બાંઝી કાંઝી ઠેકમ્ ;
કરવટ ધરતી ડીંગા હેંચી ફેંચુ આલે
કરગઠ બઠ્ઠા પરાં કબેલાં મ્હેકમ્ મહેકમ્...

ચિંતાતૂરિયા ઘાંઝી નેવે અગ્ગર શીંશૂ હેંષો હાલ્યા પિત્યા પૂલ્યાં...
હડાફ બમ બમ થાય !

આઝી નૌવ્વર બંધા ચીકલા દેજુ દરકટ
તાજી કૂરકૂ લૂંગા લીટલા ખેમી રેચક...
પાછી જિલ્લો વિદ્દા વરમણ ટીંગાટોળી
લેશી પ્રોફી ડાક ડરાટર ઘૂંપા રેચક...

ગાંડા ગાજી ઈલ્લો-બિલ્લા અબલા ધરિયા દેઠું હેડમ્ ટીચકા ગૂલ્યાં....
હડાફ બમ બમ થાય !

અનિલ વાળા
[3/24, 6:56 PM] ‪+91 94094 96979‬: છાંટો પઈડોને છોલઈ ગૈ...
રે, મુંઈ ! હું તો છાંટો પઈડોને છોલઈ ગૈ...

વાલમ વરણાગી મુંને મલમ લગાડવાને
    આંગળિયું ફેરવે છે એવી !
આંખ્યુંમાં આંખ્યું પરોવીને હળવેથી
    ક્હેતો : “તું માખણનાં જેવી !”

મારાંમાં પાંચ-સાત સૂરોની હેલીઓ પહેલીવહેલી જ જાણે થૈ....

પાતો બાંધું તો કહે : “છોલાયેલું વકરે...
    ખુલ્લું છોડી દે તારું અંગ...”
હૈયડું તપાસી કહે : “આટલુંક કરજે તું –
    કમખો બાંધીશ નહીં તંગ !”

કાગળની જેવું હું ફફડી પડી ને પછી રાતે ઉજાગરે વ્હૈ....

અનિલ વાળા

હું હવાની જેમ ચારેકોર લ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

લોક રાખે છે ઇનામો કેટલાં મારા ઉપર,
એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ
એવી જ છે કૈં વાયકા મારા વિશે,
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી
એવી રમત ગમતી મને, ને એટલે –
આંધળે કૂટાય છે ક્યારેક બ્હેરું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું,
ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

હું જ છું કે જે નશામાં ચૂર થઈને
છેક ઈશ્વરના ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

અનિલ વાળા

તારી છાતીમાં દોમ દોમ પીંછાનો થાક,
તને પંખી કહું તો એમાં ખોટું છે શું ?

પંખી કહીને તને પીંજરે પૂરીશ નહીં
એટલે વિશ્વાસ સખી રાખજે;
મારીને ચાંચ મને તોડજે ને ફોડજે
ફળની જેવું જ મને ચાખજે !

તારી નજર્યું વિંઝાયાથી સાવે’ હું રાંક
તને પંખી કહું તો એમાં ખોટું છે શું ?

તારો એટલો બોલાશ મને ગમતો
કે તું જ મને ટહુકાથી પંપાળી જાણે;
સપ્તમનાં સૂર જેવો તારો અવસર
મારું રૂંવાડે રૂંવાડું માણે !

તારા કમખા પર છો ને તું મોતીડાં ટાંક
તને પંખી કહું તો એમાં ખોટું છે શું ?

અનિલ વાળા

ભીનાં અવાજની હલક કોઠે પડી જશે
આંખો તણું છલક છલક કોઠે પડી જશે

પ્રારંભમાં ઘડી ઘડી ચોંકી જશો તમે,
આખર ફરકતી લટ અલક કોઠે પડી જશે

જોતાં જ આયનો મળે આશ્ચર્ય મુગ્ધતા,
કાચે મઢેલ એ ઝલક કોઠે પડી જશે.

સ્વપ્નો ન કોઈ આવશે, પાંપણ ઠરડ-મરડ,
આ જિંદગીય તબતલક કોઠે પડી જશે.

અનિલ વાળા

ગીતની દયનીય દશાનું ગીત...

એક અજાણ્યા શખ્સે જોરદાર કાંઈ ફેંટ લગાવી
હરિગીતનું ડાચું તોડી નાખ્યું !
બનવાનું તો બન્યું આખરે એ જ, જે આગમમાં ભાખ્યું !

ઊંઘણશી રે એક ગતકડું હબાક્ દઈને મુશાયરામાં
એણે તરતું મેલ્યું રે કાંઈ મેલ્યું...
પછી આમથી તાળી-ટપલી-ધબ્બાસોતું ભરી સભાએ
પાછું એને ઠેલ્યું રે કાંઈ ઠેલ્યું....

કાવ્યસંગ્રહમાં પડેલ મડદું ગીત તણું જે મુસાભાઈની બે બકરીએ ચાખ્યું !
બનવાનું તો બન્યું આખરે એ જ જે આગમમાં ભાખ્યું !

કોક કવિએ દોહરાભાઈની નહીં ઊગેલી મૂછ તણાં કાંઈ સમ ખાઈને –
તરન્નુમમાં હળવેથી ખોંખારો ખાધો :
રવરવતાં શબ્દોને એણે ચિપિયાથી પકડી પૂરી દઈ-દાબડી બંધ
કરીને તાળું માર્યું, સૂનો સૂનો ઓ સાધો...

કટાવજીની આંખ તણું નિશાન લઈને ફરી અજાણ્યા શખ્સે આજે
ખતરનાક તીર તાક્યું !
બનવાનું તો બન્યું આખરે એ જ, જે આગમમાં ભાખ્યું !

અનિલ વાળા

છમ્ લીલો શેવાળ વળ્યો ને ડહોળું ડહોળું પાણી...
ધોબી શું કરવાનો ?

એક ડાઘ ધોવામાં પાડ્યાં બીજાં સત્તર ડાઘ,
કોણ જગતની આંખે ચડતું ? કોણે બાંધી પાઘ ?

જળની ઝળહળ જાત રહે છે નદીઓથી અણજાણી...
ધોબી શું કરવાનો ?

સગપણનાં આ તરાગને એ ધોંકાવે ધમકાવે,
વરસોનો જ્યાં મેલ ચડ્યો છે, કેમ કરીને જાવે ?

જીવ ચીંથરેહાલ ઝળેલો કેમ કાઢવો તાણી ?
ધોબી શું કરવાનો ?

અનિલ વાળા

ભૂંડ / અનિલ વાળા

આવ, ભાઈ હરખા !
ભૂંડની નજરમાં સહુ સરખાં.
જગતમાં ભૂંડામાં ભૂંડું ભૂંડ છે !
હોકાયંત્ર પણ નક્કી ન કરી શકે –

એની દિશા
એની દશા
કશા પણ વળગણ વિનાં
ભૂંડને નિરખવું-એ
બહુ મુશ્કેલ છે.
ઊકરડો ફેંદતાં ભૂંડને
આાંખ સામે
ઊકરડો થઈ જતું જોવું
-એ કાંઈ નાનીમાનાં ખેલ નથી !

બારણાં વગરનાં
જાહેર સંડાસમાં મ્હોં ઘાલી
ભૂંડ ગોતે છે આપણાં કક્કો અને બારાખડી !
ભૂંડનાં દંતશૂળ ઉપરની પૃથ્વી
બરાડે છે : 'ॐ सहनाववतु’ નો શ્લોક.
ભૂંડની ડોકમાં ગલગલિયાં કરે છે :
“કાનમાં કહેવાનાં જોક”
ને
થોક - થોક ભૂંડ,
હોજરી ચીરી - બહાર આવી
મશ્કરી કરે છે : આપણી !

સોળ વરસનાં સપનાં આગળ
એક છોકરી ચૂરેચૂરો થૈ ગૈ....
એની સળવળતી ઈચ્છાઓ
હાય... હાય... રે, કાનખજૂરો થૈ ગૈ...

ગામલોક તો મોઢાં ઉપર ગરણાં બાંધી જીવે,
છોરી આગળ સાચ્ચે-સાચું કહેતાં લોકો બીવે....

પોતાનામાં છલકી છલકી
જાણે કે એ ઘડો અધૂરો થૈ ગૈ...
એક છોકરી ચૂરેચૂરો થૈ ગૈ...

સાત મણનો શિરો કરે ને અધમણ આંધણ મેલે,
ગૂંચ પડી ગૈ જોબનિયામાં ક્યાંથી ગૂંચ ઉકેલે ?

મીરાંબાઈનું ભજન સાંભળી
સાવ અચાનક તાર-તંબૂરો થૈ ગૈ...
એક છોકરી ચૂરેચૂરો થૈ ગૈ...

અનિલ વાળા

બ્હાર ગયો બિડાઈ અને હું ઊંડું ઊંડું ઊઘડ્યો
શિખર ઉપર રોકાઈ ગયો ત્યાં ઊંડી ખીણથી ગબડ્યો...

મૂળ વિનાનો માણસ હું તો સમજ વિહોણી શાખા,
આશાઓનાં જંગલ સળગ્યાં ઊભે ઊભાં આખા !

પાણી થઈ પથરાઈ ગયો ત્યાં પાંપણ પરથી દદડ્યો..
અર્થ વિના હું શ્વાસ શ્વસું ને અર્થ વિના ઊભવાનું,
ભર ચોમાસે બળી જવાનું તાપ વચ્ચે ઊગવાનું !

ખૂણો ખૂણો ફરી વળ્યો પણ હું જ મને ના જડ્યો....

અનિલ વાળા

સપનાંને ને આંખોને તો આભ-જમીનું છેટું... મારું બેટું !
ઈચ્છા યાને કાંઈ નથી પણ ચારો ચરતું ઘેટું... મારું બેટું !

અમથું અમથું ઊછળ્યાનો આનંદ ઉછાળો લાગે છે રળિયાત,
કૈં સદીથી કટાયેલ પેટીમાં પૂરી રાખી છે મેં અફવાયેલી વાત....

થાકીને છાંયે બેસું તો માથા ઉપર ખરતું વડનું ટેટું.... મારું બેટું !

પથ્થર ફાડી ઊગી નીકળતાં તરણાંના મૂંઝારા વિશે બોલો:
ઘરનાં આ મોભારા ઉપર બેઠો છે તે કેમ ચૂપ છે હોલો ?

છેક જીવના પત્તાળે જઈ કોક મારતું ફેંટુ... મારું બેટું !

અનિલ વાળા

લેસ્બિયન છોકરીનું ગીત*

તું માને છે ને  માઇનસ માઇનસ ઈઝ ઇક્વલ ટુ પ્લસ ?
હું તારી છું તરવેણી ને તું બકુડી પ્હેલેથી છે  મારી દુ:ખતી નસ...
તું માને છે ને  માઇનસ માઇનસ ઈઝ ઇક્વલ ટુ પ્લસ ?

ગમે કાકડી-દૂધી જો દિલને શું કરવો ધત્તુરો ?
લઇ ભીંસમાં મને કરી દે આજે ચુરેચુરો !!

હું દીવાસળીની નહીં દેખાતી આગ, તું મારી સેફ્ટી બાકસ

I hate  પ્લસની પાર વિનાની મુશ્કેલીનો જંગ
મારાંમાં આળસ મરડીને ઉભું  અનંગ કેરું અંગ

એક-બીજીને અનંત જીવીને આપણે અેકબીજીને ચૂમવી છે તસતસ
                  - અનિલ વાળા

* કવિ શ્રી અનંત રાઠોડના આગ્રહથી આ ગીત લખાયું.આ પણ સમાજનું સત્ય...

આંખ્યુની ડેલીએથી ઊંડો અવસાદ હવે ઊનાં તે જળમાં ઊતરિયો....
સખીરી ! હવે રણનો પર્યાય એક દરિયો....

માછલીની જેમ ખૂબ તરફડતાં નયનોને
જળની સગાઈ હવે સાંભરે;
ભૂખી રેતીમાં જઈ તપતો સૂરજ મારો
ઊંટ થઈ ભીતરમાં ભાંભરે....

સૂસવાતાં ધોધમાર લુખ્ખા મરૂત જાણે જીવમાં ફરે છે કોક ગરિયો.....
સખીરી ! હવે રણનો પયાય એક દરિયો....

કાચી સોડમ મારાં શ્વાસોમાં મધમધતી
કરમાતો ફૂલોનો કાફલો;
ધરબ્યો છે કેટલો ઝાંઝવાંનાં પેટાળે
ટળવળતી ઇચ્છાનો રાફડો....

ગાડું ભરીને કાળી ચીસોનો ગંજ આજ મેં તો છે મારામાં ભરિયો....
સખીરી ! હવે રણનો પયાય એક દરિયો.

અનિલ વાળા

આપણે જ આપણાથી શરૂઆત કરીએ કે દરિયામાં દરિયો થઈ તરીએ....
ન્હાવું જ હો આખરે આપણે તો ખાડા-ખાબોચિયામાં શું કામ ઊતરીએ ?

દરિયાને કાંઠે જે પગલું માંડો તો પગ ‘હોવા’ જેવુંય ભાન થાય,
શેલ્લારા લેતાં આ પાણીને જોઈને આંખો આકાશ બની જાય !
ધુમ્મસ બનીને પછી ધુમાડો થઈને પછી વાદળું બનીને પછી થોડુંક ઝરમરીએ !

ખળખળતાં વ્હેણોનું એવું કે આપણે તો ઈચ્છા અનિચ્છાએ તણાતાં જાવાનું નીત,
ધૂબકો મારો તો અહીં એવું તો થાય કે, ફરતી ચણાય જાય પાણીની ભીંત !
આપણે તો બસ આમ આખ્ખો દિવસ ફીણ મોજાંને ખિસ્સામાં ભરીએ !
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ....

આઘાં જઈએ તો સાવ કાચાં આ કાળજાંને જળચરની બીક બહુ લાગે,
મન વળી આપણને ઊંડે લઈ જાય અને તળિયાંનાં મોતીડાં માગે.....
તળિયાં લગણ ના પૂગીએ તો કાંઈ નહીં અધવચ સુધી તો હવે સરીએ...
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ...

છબછબિયાં કરવાના મોહમાં કોક વાર આંગણે જ દરિયાને સુક્કાવા મેલીએ,
ને આપણી જ આંખોની સામે આપણા જ દરિયાને બીજો લઈ જાય એની ડેલીએ....
આવું ના થાય એની કાળજી ખાતર હવે દરિયો પહેરીને પછી ફરીએ...
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ...

અનિલ વાળા

No comments:

Post a Comment