ખુલી પાંખો પસારીને સપનમાં રોજ આવે છે,
નથી પંખી છતાં મારા ગગનમાં રોજ આવે છે.*
વિચારું કાંઇ પણ લખવા, લખાતી વાત બસ તારી,
હવે શબ્દો બની મારા કવનમાં રોજ આવે છે.
મિલનની ઝંખના કેવી? નથી ડર પણ જુદાઇનો,
છતાં આંસું બની મારા નયનમાં રોજ આવે છે.
જલાવી જાતને તારી, મને અજવાળતો બસ તું,
સમિધ પોતે બની મારા હવનમાં રોજ આવે છે.
નથી આકાર તારો કો', નવા નિત રૂપ ધરતો તું,
નિરાકારી, સતત મારા મનનમાં રોજ આવે છે.
- ધૃતિ ઉપાધ્યાય
* તરહી રચના
No comments:
Post a Comment