ખખડધજ ભલે ખોળિયામાં રહ્યો,
સદા જીવ તો ઘોડિયામાં રહ્યો.
દિવસરાત એ દોઢિયામાં રહ્યો,
હતો શેઠિયો વેઠિયામાં રહ્યો.
તમસમાં વિચરવાનું મન જો થયું,
સૂરજ સાંજથી આગિયામાં રહ્યો.
થયું ના જો કુમકુમ તિલક ભાલનું,
સતત વસવસો સાથિયામાં રહ્યો.
બતાવી ઘણી મંજિલો તે પછી,
ભરોસો નથી ભોમિયામાં રહ્યો.
પ્રથમ ખૂબ ચર્ચાઇને ગામમાં,
પ્રણય એક જઇ પાળિયામાં રહ્યો.
હું કોયલના ટહુકા વીણી ના શક્યો,
ડૂબેલો રદીફ--કાફિયામાં રહ્યો.
'આતુર'
No comments:
Post a Comment