અંધારા ઓઢી મેં તો શ્યામને આરાધિયા,
ચૂંંદલડીએ છેડા ગાંઠ્યા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
ટમટમતા તારલાનું તેજ ઉછીનું લઈ
આંખનું અંજન કરી આંજ્યા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
ચપટીક ઊજાસની આશમાં ને આશમાં
સાત ભવ અંધારે કાપ્યા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
આભને આંબતા સપના તરછોડી
ધનધોર વાદળમાં ફગાવિયા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
શ્યામનો સાથ મારે અમૃત સરીખો
જીવતરના ઝેર નીચોવિયા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
મોરપિચ્છ રંગનો મોહ તજીને
કાળાશે મનડા પરોવ્યા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
શ્વાસ પ્રશ્વાસમાં સપનાની ભાત ગૂંથી
મનોરથ મોંઘા મુલવિયા રે મેં તો
અંધારે શ્યામને આરાધિયા
સરલા સુતરિયા
No comments:
Post a Comment