~~(ગઝલ)~~
ઊંઘતા પહેલાં તને જાપું નહીં;
જાગરણ મારું હવે પાકું નહીં.
ઘર હતું એનો નથી ઈન્કાર પણ;
આજે મારું કોઈ સરનામું નહીં.
બહુજ અટવાયો દિશાસૂચન પછી;
કોઈ કહેશે એ તરફ ચાલુ નહીં.
સત્યને પણ સ્વાર્થ ગમતીલો થયો;
કોઈ કરતાં કોઈ પણ સાચું નહીં ?
ખોટેખોટી મનમાં ઈર્ષા થાય છે;
કોઈના સુખને હવે તાકું નહીં.
તક મળી તો ગટગટાવી જઈશ પણ;
ચુસ્કી ચુસ્કી હું સુરા માણું નહીં.
છોને છે તલવાર આ ગરદન ઉપર;
ખોટી સાક્ષી કોઈ દી' આપું નહીં.
કરગરે એને જ તું આપે છે ત્યાં;
મારી જિદ છે હાથ ફેલાવું નહીં.
શું થશે ? સારું થશે ?કે બસ પછી-
ભાગ્યનું "નાશાદ" ઠેકાણું નહીં.
ગુલામ અબ્બાસ "નાશાદ"
No comments:
Post a Comment