Sunday, 6 November 2016

અછાંદસ

'ભીંત'

સમય પહેલા
ભીંત ફાડીને
ઉગવાની
મારામાં ક્ષમતા નથી
તેથીજ ઘરની
ચાર દિવાલની વચમાં
ગોળગોળ ફરું છું
જાણે અવનીનું
સૂર્ય અને ચન્દ્રની શાખે
એની ફરજ રૂપે
ચોવીસે કલાક ફરતાં રહેવું
જ્યાં નથી બારી
નથી બારણું   
નથી ઠંડી 
નથી ગરમી
ના વાર ના તહેવાર
છતાંય વિકસું છું
રોજેરોજ એક વૃક્ષની જેમ
મારું તો સર્વસ્વ ભીંત...
કરોળિયાની જેમ
મેં પણ મારી જડો
નાખી છે એનામાં
એટલેજ તો એની સાથે
હસું છું, રડુ છું,
વાતો કરું છું
ને મન થાય તો
થોડીક કીક પણ
મારી લઉં છું.
એ પણ મને
પુષ્કળ લાડ લડાવે
જરાય અડગી ન કરે
ક્યારેક  હું એને
કાન દઇને સાભળું તો
મંદમંદ અવાજમાં
'મા'ના હાલરડા પણ
સંભળાવે મને મારી ભીંત...

પણ,
અચાનક.....
ધરતી કાંપવા માંડી
એ ધ્રુજવા માંડી,
એના અચાનકના
કંપનથી હું પણ ગભરાઇ ગઇ,
બહાર ભરતી આવી
ને ભીતરમાં...
આ શું !!
પાણીનું સ્તર ઘટવા માંડ્યું
જોતજોતામાં
જાણે સુક્કું રણ....
હજી તો હું જળચર છું
પાણી વગર મારું શું થશે...?

એક લક્કડખોદ
બહારથી ખોદવા માંડ્યું
તેની ચાંચથી 
અને ધીમેધીમે
તેની તિક્ષ્ણ-ધાર
મારું સંરક્ષણ કરતી
ભીંતને છેદીને
પહોંચી ગઇ છેક 
મારા સુધી...

ખૂબ
લડી,રડી,તરફડી
પણ...
કોણ સાંભળે,
કોણ બચાવે,
આ તો બહારની
દુનિયાએ ઊભી કરેલી પુત્ર-પુત્રીના ભેદવાળી ભીંતનો આદેશ હતો

આખરે ફૂટી અગ્નિ
અને તેની જ્વાળા
સાથે ફેંકાઇ ગઇ

એક અપરિપક્વ
અર્ધવિકસીત
નાશ પામેલી... હું

- રીનલ પટેલ

No comments:

Post a Comment