Saturday, 17 December 2016

ગઝલ

રાતનો રંગીન એ સંસાર જુદો હોય છે
ને સવારે સૂર્યનો વ્હેવાર જુદો હોય છે

પક્ષ બદલે, ચંદ્રનો નિખાર જુદો હોય છે
રંગ પુષ્પે, ભીતરે તો બ્હાર જુદો હોય છે

વાદળીને ચંદ્રનો દુલાર જુદો હોય છે,
પર્ણતુષારી તરુ ! શૃંગાર જુદો હોય છે

ખીલતી જો ચાંદની, સપ્તર્ષિ દીસે રાતમાં,
ઝાકળે ન્હાતી કળી ! ચિતાર જુદો હોય છે

શ્વેતવર્ણી શર્વરીએ રાતરાણી મહેકતી,
પારિજાતે પ્રેમીનો અભિસાર જુદો હોય છે

હંસ જોડું સરવરે ક્રીડા કરે દીસે ધવલ,
તિતલી સંગે સુમનનો પ્યાર જુદો હોય છે

ચાંદ,તારા,ને ગ્રહો, અસબાબ ભારી રાતનો,
તો પ્રભાતે સૂર્યનો અસવાર જુદો હોય છે

પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

No comments:

Post a Comment