Wednesday, 4 January 2017

ગઝલ

કાચ જેવી આંખમાં ડોકાય છે,
એક સમણું રોજ ઘાયલ થાય છે.

આંખમાં લાગ્યું ગ્રહણ સમજાય છે,
તું ઝરૂખામાં હવે ક્યાં જાય છે?

હા ખબર છે કંટકોનો માર્ગ છે,
તે છતાં ત્યાં રોજ દિલ ખેંચાય છે.

રાત આખી ખૂનથી લથબથ હતી,
સૂર્યની લાલાશ ચાડી ખાય છે.

ભૂલવાની એક આદત બહુ ફળી,
ચાહવાની ભૂલ કાયમ થાય છે.

ખાલીપો મારો સભર છે ઓ ખુદા,
હાજરી તારી બધે વરતાય છે.

એક ચહેરાની અજબ જાદુગરી,
જ્યાં જુઓ ત્યાં એ 'શિવમ' દેખાય છે.

-શિવાજી રાજપુત *'શિવમ વાવેચી'*

No comments:

Post a Comment