.. લો ... આપ સહુ માટે એક બોલચાલની ભાષાનું ગીત ... કચ્છના કવિ આનંદ મહેતાનું ...
આવા ગીતો બહુ ઓછા લખાય છે હવે .. આશા છે આપ સહુને ગમશે જ ..... ( આવું જ ગીત મેં પણ વર્ષો પહેલા લખેલું ... સમયાનુકુળતાએ અહીં મુકીશ ... અત્યારે માણો આનંદ મહેતાની કલમ ..... )
(સગાઇ થઇ ગયેલી ગ્રામીણ કન્યાનું ગીત)
અષાઢી આભને આંખ્યુંમાં આંજીને,
જોતી પિયુની હું વાટ્યું.
કમખાનાં મોર હવે ટહુકા કરે છે,
સખી, કેમ કરી વીતે ના રાત્યું.
.........સખી, કેમ કરી વીતે ના રાત્યું.....
વાસીદું કાઢુંને લાગે એવું કે જાણે,
તારી યાદો ને હું વાળું.
ખૂણે ને ખાંચેથી ભેગી કરીને એને,
મુજમાં જ પાછી હું દાટું.
કેમ કરી છોડું હું છુટી છુટે ના,
ભવભવની બંધાણી ગાંઠ્યું.
.........સખી, કેમ કરી વીતે ના રાત્યું.....
રાંધણીયે ટીપાતા રોટલાના ટપટપમાં,
તારા'તે પગરવ સંભળાય.
બટકો જ્યાં ભાંગુ ત્યાં આવી ને કહે,
હવે એકલી એકલી તું ખાય.
અડધી મારામાં હું, અડધી તારા માં હું,
આમ નથી જીવ્યું જીવાતું.
.........સખી, કેમ કરી વીતે ના રાત્યું.....
આથમતાં સુરજની આંગળી ને જાલીને,
અંધારું હળવેથી આવતું.
ઢોલિયામાં ઢાળું જયાં જાતને મારી ત્યાં,
કોઇ આવી મુજને સતાવતું.
તારી એ યાદ ના ઉજાગરાને આંજીને,
મારા થી નથી રે સુવાતું.
.........સખી, કેમ કરી વીતે ના રાત્યું.....
બાપાને સમજાવો, મુરત કઢાવવાને,
વેવાઈને ઝટ લખે ચીઠ્ઠી.
માવડીને કહો મારી જઈને હવે મારાં,
અંગે ચોડાવે એ પીઠ્ઠી.
જોડાવો જાન હવે,ઘોડે ચડી આવો તમે,
જોબનીયું કરમાતું જાતું..
.........સખી, કેમ કરી વીતે ના રાત્યું.....
આનંદ મહેતા.
No comments:
Post a Comment