ગીત
મારું બચપણ પડઘાતું મારામાં શેરી થઈને,
ભેરુઓ સંગ રમેલી રમતો,પ્રગટે ઠેરી થઈને.
કેવું સાચું,કેવું નિખાલસ,હતું મારું બાબા નામ,
આજે ભલેને લોકો કરતા;કૃષ્ણકાંત ને સલામ.
એ યાદો, એ તોફાનો લટકે આંબે કેરી થઈને.
0મારું બચપણ
કોઈ એક ઉમંગમાં, આખો વગડો વેરાતો,
લૂસકા, બોર, આંબલી, પીપળી માં હું ઘેરાતો.
યૌવનને પાંગરવા દીધું, મેં જ વેરી થઈને.
0મારું બચપણ
ભર ચોમાસે કાગળની નૌકા પર થતી સફર,
આજે પણ તળાવમાં મરેલા, ધુબાકાની અસર.
હુ તૂ તૂ ને ગિલ્લી ડંડા રમતા અમે ઢેરી થઈને.
0મારું બચપણ
બચપણ પર પડી ગયો, સમયનો પડછાયો,
આ મારું,આ તારું,મન પર અસત્યનો ઓછાયો.
સપનામાં આવે મા, મમતામયી મેરી થઈને.
0મારું બચપણ
***
-'કાન્ત'
No comments:
Post a Comment