(શાર્દૂલવિક્રીડિત)
ખાતો’તો ઈડલી અને રસભર્યા ઢોંસા અને ઉત્તપા,
માંહી નાખત શ્વેતરંગ ચટણી, તીખી અને ઉત્તમા.
ને સંભાર સમાસસંધિ સઘળા સ્વાદો ભર્યાં સાથમાં,
એવા એ રસથાળના રમણનું સાધો સદા મંગલમ્.
(વસંતતિલકા)
ખાજો લગાર ઈડલી ધવલી સુંવાળી,
ના ભૂલશો, સરસ મેંદુ વડાં કદાપિ.
ઢોંસા તમે મનપસંદ અનેક માણી,
સંભાર લેજો, ચટણી પણ નારિયેલી.
(મંદાક્રાંતા)
સાદો ઢોંસો વગર ચટણી સાવ સાદો જ લાગે,
ખાવું શું એ સમજ ન પડે મોજ ના કાંઈ લાવે.
એમાં જો લ્યો રસમસમ સંભાર તો સ્વાદ આવે,
સાથે વાટો અડદ ચટણી કોપરાની વિકલ્પે.
(શિખરિણી)
મસાલા ઢોંસો તો નજર પડતાં હોઠ મલકે,
મને ભાવે એ જો પડ કડક ચોમેર સઘળે.
મઘેમાં એ પોચો, નરમ કુમળો સૌમ્ય વિનયી,
બટાકા ને કાંદા યુગલજન શા રાહબરથી.
(અનુષ્ટુપ)
બીજો ઢોંસો મૂકી દે ને હજુ છે મુજને ક્ષુધા,
કહીને પાત્ર મેં આજે તમારા કરમાં ધર્યું.
(શિખરિણી)
અમારા એ ઢોંસા હરસમયમાં પ્રિય સરખા,
સવારે ને સાંજે અતિહરખથી ખાવત બધા.
વયે નાનામોટા સમ સળવળે જીભ મુખમાં,
તમે જો આવો તો સરસ જમશું થાળ નવલા.
(અનુષ્ટુપ)
ગર્માગર્મ વળી ઢોંસો, મેજ પર આવી ગયો,
અહીં જ વિરમું છું હું, વારુ એ તો નહિ ઇષ્ટ ?
- snehal mazoomdar
Tuesday, 7 March 2017
છંદ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment