Tuesday, 7 March 2017

ગઝલ

અશ્રુઓ ઝળહળ ગઝલમાં હોય છે,
શબ્દનાં વાદળ ગઝલમાં હોય છે,

જળ તરસથી છટપટે આખો કુવો,
હાંફતા મૃગજળ ગઝલમાં હોય છે,

ક્યાં ખીલે છે ઝાંઝવાઓથી સ્મરણ,
એટલું ઝાકળ ગઝલમાં હોય છે,

મૌન થઉ તો ભીંજવી દેતું ભીતર,
ઝીણું ઝરમર જળ ગઝલમાં હોય છે,

પ્હાડ થીજેલી પીડાનો પીગળે,
એટ્લે ખળ ખળ ગઝલમાં હોય છે,

આ અકથ શબ્દો પ્રગટતા કાગળે,
જ્યાં સ્મરણનું બળ ગઝલમાં હોય છે,

રાતભર પડખું ફરે જે ભીતરે,
વેદનાના સળ ગઝલમાં હોય છે,

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment