કદી ના દોડવા કે ચાલવાનું ભાગમાં આવ્યું,
છતાં પણ થાકવા ને હાંફવાનું ભાગમાં આવ્યું.
હતો રસ્તો ય કાંટા-કાંકરાવાળો જ કિસ્મતનો,
અને ચૂપચાપ બેસી કાપવાનું ભાગમાં આવ્યું.
ક્ષુધા કાજે મળ્યા થોડા-ઘણા બસ થોર ને બાવળ,
તૃષા માટે સરોવર ઝાંઝવાનું ભાગમાં આવ્યું.
તમે જેવી રીતે આ જામ છલકાવો છો બસ એમ જ,
અમારે આંખ બે છલકાવવાનું ભાગમાં આવ્યું.
હતી મનમાં જ એ જન્મી અને મનમાં મરી ગઇ છે,
બધી ઇચ્છા એ મનમાં દાટવાનું ભાગમાં આવ્યું.
સ્વયં ઘા ઝીંકતા રહેવું , સ્વયં ઘા ઝીલતા રહેવું,
સ્વયંને એ રીતે અજમાવવાનું ભાગમાં આવ્યું.
'આતુર'
No comments:
Post a Comment