આ ચરણથી રેતનાં સગપણ વિશે ના પૂછ તું
શ્વાસમા તરતા અફાટી રણ વિશે ના પૂછ તું
રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને
એ અભાવોનાં નિકળતા ધણ વિશે ના પૂછ તું
સાવ સીધા માર્ગ પર ડગલું ય મંડાતું નથી
ભીતરી અવઢવ અને અડચણ વિશે ના પૂછ તું
મેં મને ધાર્યો હતો એવો ન નિકળ્યો ક્યાંય પણ
જાત આખી જોઈ એ દર્પણ વિશે ના પૂછ તું
જળ અને જળની છટાઓ લે ગણાવું હું તને
પ્યાસની મારીશ સકળ સમજણ વિશે ના પૂછ તું
જે મળે એને હયાતીનો પૂછે છે પ્રશ્ન એ
દોસ્ત 'વંચિત'માં ઉછરતા જણ વિશે ના પૂછ તું
- વંચિત કુકમાવાલા
No comments:
Post a Comment