Friday, 14 April 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અચરજનાં અજવાળાં

એકલ વેળા અચરજનાં અજવાળાં
અગોચરું દર્શાવે ત્યારે ઠીક બની ઠરવાનું
બીજું કૈ નહિ કરવાનું.

ખીલ્લે બાંધી સાંકળ પહેરી ગમાણ ઓઢી
સાંજ સમયની ઘુઘરિયું ઝીકોરે;
ગોધૂલિના પડઘા સૂણી સૂરજ પોઢણીએ
સાગરની ચાદર લંબાવી કિરણોને સંકોરે.
લીલી આવન જાવન ફરતી લ્હેરે તરુવર
છમ્ છમા છમ્ કરતાં પર્ણે ટપ દઈ ખરવાનું.
એકલ વેળા અચરજનાં અજવાળાં.....

ફરરર દોડે તેતર ફફડે ઊભાં ખેતર
સસલું પગરવ શશીયર સામે ઢેફામાં વળખાય;
ખોતરતા ખૂણે તમરાના ધૂધવાટા પાંખે
રણઝણિયું કાન સોંસરું તળ લગી સંતાય.
માળાની ભીંતરવું પંખી ઊડું ઊડું લઈ
દિશામાં ધરબાતાં ટહૂકો લઈ ફરવાનું.
એકલ વેળા અચરજનાં અજવાળાં...

બિલ્લી મોભારું કૂદાવે સળવળ મનડે ડૂબી જવાની હોડ હોડમાં સપનાં ધીમા સાદે;
થંભે ચરણો મરીચિકા સમ દોટ લગાવી હાંફી
પાછાં પગલે ઠરવા ધારણ ધરવા નાભિ નાદે.
મસ્ત મૌન લઈ ઊંચે ઊંચે લગરીક ઊંચે પડતા ચડતા ચડતા સાત શહર ફરવાનું.
એકલ વેળા અચરજનાં અજવાળાં.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment