છંદ-મુશાકિલ
ગાલગાગા લગાગાગા લગાગાગા
તું મુશળધાર રૂપે આવજે ઈશ્વર
સ્નેહ તારો બધે વરસાવજે ઈશ્વર,
ક્યાં ખબર છે મનુષ્યોની તને વ્હાલા,
વાંસળી નહિ સુદર્શન લાવજે ઈશ્વર.
સાવ નાદાન તારા બાળ જેવો છું,
ભૂલ મારી બધી ભૂલાવજે ઈશ્વર.
યુદ્ધ મારું હવે તો જાત સાથે છે,
તું અરીસો મને બતલાવજે ઈશ્વર.
એક સાંધું અને બોત્તેર તૂટે છે,
હાલ મારા હવે સંધાવજે ઈશ્વર.
છંદ તારા કવનનો ના જ સમજાયો,
'ગાલગાગા' લખી સમજાવજે ઈશ્વર.
તું અમારી નિશાળો ,તું જ છે 'માસ્તર',
એકડો તું ફરી ઘૂંટાવજે ઈશ્વર.
કવિ:-જુગલ દરજી
*માસ્તર*
No comments:
Post a Comment