હું અહીં મારો જ છું એવું નથી.
તેથી કૈં તારો જ છું એવું નથી.
રાખ ખંખેરી ને અડકી તો જુઓ,
ફક્ત અંગારો જ છું એવું નથી.
તારા મનગમતા જગતનો ભાગ છું,
તારો ધબકારો જ છું એવું નથી.
રાતરાણીનું ભલે તું ફૂલ હોય,
ડાળ છું, ભારો જ છું એવું નથી.
ઘરથી નીકળી તો જો, તું છત્રી વગર,
કોઇ વર્તારો જ છું એવું નથી.
હું વિનયમાં હા ભણી લઉ છું કબૂલ,
માત્ર હોંકારો જ છું એવું નથી.
હું ય મોતી રાખું છું પેટાળમાં,
એકલો ખારો જ છું એવું નથી.
ફાટતા સંબંધને સીવું છું દોસ્ત,
સોયનો દોરો જ છું એવું નથી
કોઇપણ ઘડીએ કશું પણ માંગજો
તૂટતો તારો જ છું એવું નથી
ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment