Tuesday, 23 May 2017

છંદ

મારાં સપનાની મોહિની
છંદ : મૃદંગ
બંધારણ: ગાગાલગા લલલગા લલગા લગાલગા

માથે ધરી ચુનર રેશમ કેશ ઢાંકતી,
કાને ધરી લટકણા લલના લલાટમાં,
રાતા તણી ઝબુકતી વીજ કેરી બીનકી,
ભૃકુટી તળે નયનથી મદિરા ઝરે ઝરે,

જો બોલતી મધુર વેણ લગે સિતાર ને,
હોઠો મહીં ઝરઝરે સ્મિત મસ્ત કામણું,
એમાં સફેદ રતનાગર દંત દીસતાં,
દીઠે તને નજર તો દિલ તું હરે હરે,

ચ્હેરો ઘણો જ નમણો રૂપ ગૌર વાન ને,
મૈનાક શા ઉરજ મોહક લાગતાં ઘણાં,
ભૃંગી બની બણબણું મન થાય છે; ભલે,
પુષ્પો કરે બળતરા જળ ત્યાં ભરે ભરે,

હાથે ધરી ખણકતી ગુજરી ગમે મને,
કોઈ મૃગા ઉછળતી મદમસ્ત ચાલમાં,
ને કેડ નાજુક લચે લચકે અહીં તહીં,
ભારે નિતંબ લગતાં ધરણી ઢળે ઢળે,

નોખાપણે સ્વરગની લગતી પરી તણી,
હો મેનકા અવતરી ધરણી ભણી અહો!
એવી ઘડી કુદરતે નવરાશમાં તને,
જ્વાળા ભરી બદનમાં રતિ શી ધગે ધગે.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment