Tuesday, 2 May 2017

ગઝલ

સાવજ સરીખો ઘાટ તારો ધન્ય છે ગુર્જર ધરા,
ગિરનાર ગરવો ઠાઠ તારો ધન્ય છે ગુર્જર ધરા.

ઉજળું કરે આ અંગ તારું ખેડુઓ મહેનત કરી,
પ્રસ્વેદ ધોવે કાટ તારો ધન્ય છે ગુર્જર ધરા.

મધમધ બની મ્હેંકી રહી છે કીર્તિ તારા નામની,
સર્વત્ર છે પમરાટ તારો ધન્ય છે ગુર્જર ધરા.

રક્ષક બનેલા શૂરવીરો પાળિયે પૂજાય છે
છે રક્તરંજિત પાટ તારો ધન્ય છે ગુર્જરધરા

શિલ્પી બની સરદાર,ગાંધી,શ્યામજી ને સેંકડો,
સુંદર ઘડ્યો છે ઘાટ તારો ધન્ય છે ગુર્જર ધરા.

મા ભારતીની લાડકી તું રાજકન્યા રાજની,
'માસ્તર' બન્યો છે ભાટ તારો ધન્ય છે ગુર્જર ધરા.
    
         ✏કવિ -જુગલ દરજી
                       માસ્તર

ગુજરાત સ્થાપના દિવસની અઢળક શુભેચ્છા🌺🌺

No comments:

Post a Comment