Tuesday, 23 May 2017

સાંજી ગઝલ

તા.23/5/17ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ગઝલ.
---------------------

આ જમાનો ખૂબ જાલિમ, ચર્ચવા સંબંધ શું?
દોસ્ત, થોડો માર સાંધો, કાપવાની વાર છે.
                   - ડૉ. જિજ્ઞાસા

સાત સાગરને વળોટી જાઉં તો પણ તું કહે
છો  ડૂબે  ને  એ ભલે કે  તારવાની વાર છે!
               - હરિહર શુક્લ

ધીરતાથી તું ખમી ખા ને જીવી જા માનવી,
આકરો પથ પાર પામે, હારવાને વાર છે!

        -હેમા ઠક્કર "મસ્ત "

સાચવી લેશે બધાને માપવાની વાર છે.
શીશ રાખી તે ચરણમાં માંગવાની વાર છે.
    By:- joshi.. (હ્ર્દયા)

યાદ કરવાનો  હતો ત્યારેજ હું ભૂલી ગયો!
ભૂલમાં પણ છો ભૂલું સંભારવાની વાર છે!
         - હરિહર શુક્લ

છેકથી હું ચાલતી થાકી ગયા રસ્તા જુઓ,
ને છતાં મંજિલ હજી તો આવવાની વાર છે.
      ઉર્વી પંચાલ."ઉરુ"

આ જગતમાં,દેશમાં ને શહેરમાં ને ઘર સુધી,
બસ અમે આવી ગયા છીએ, જવાની વાર છે !
                 -પારુલ વાળા

પાંખ  ફેલાવી  ઉડે પંખી ગગનમાં શી રીતે?
કેદ પિંજરમાં, ગગન વિસ્તારવાની વાર છે!
            - હરિહર શુક્લ

ટાકણું, શીણી, હથોડી છે બધું હાજર અહીં,                                મુર્તિ  કુશળ  હાથથી  કંડારવાની વાર છે !
                 -પારુલ વાળા

આવવાનું ના બને તો પણ છતાં આવી જજો
મ્હેફિલે  જલતી  શમા  બૂઝાવવાની  વાર છે!
- હરિહર શુક્લ

છે હજી છેટું પરમને પામવામાં વેંતનું
આંખ ખુલ્લી છે છતાંયે જાગવાની વાર છે.
           - Megha antani

એ ભલે અધ્ધર હવામાં ચાલતો ફુગ્ગા સમો
કાળની બસ એક ટાંકણ લાગવાની વાર છે.
                  - Medha

દૃષ્ટિમાં થોડુંય પરિવર્તન નથી અે કારણે,
સત્ય છે સામે છતાંયે ભાળવાની વાર છે.
           - જિજ્ઞા ત્રિવેદી

મુઠ્ઠિયું વાળી જીવન, તું દોડ ના અાવી રીતે,
મોતને ધક્કો દઈને ભાગવાની વાર છે.
             - જિજ્ઞા ત્રિવેદી

જીંદગીનું  નામ બીજું દોડવાનું હોય તો,
દોડવાનું, હાંફવાનું, થાકવાની વાર છે.
                "નિરાશ"

ઘેનની ગોળી હજી અંધાર સાથે છે લીધી,
અેટલે અા સૂર્યને પણ જાગવાની વાર છે.
                 - જિજ્ઞા ત્રિવેદી

ઈશ તારા આંગણે આવી ફરિયાદો લઈ,
ન્યાય તારો માંગવા  હું , હારવાની વાર છે.
              - કાજલ
કિરણ પિયુષ શાહ

છે બજારો લે છલોછલ, મન છતાં છે સાંકડું,
બંધ હ્રુદિયાના કમાડો, ખોલવાની વાર છે.          
                      ડૉ. જિજ્ઞાસા

સાવ ખોટી ફરફરે છે જે ધજા ભીતર બધે,
તે હવાની એ દિશાને જાણવાની વાર છે.
                  - આભાસ

ફાટલા દિવસોય સાંધીને પહેર્યા છે કદી,
   અે બધું સંજોગને સમજાવવાની વાર છે
   જિજ્ઞા ત્રિવેદી

આંખ મીંચીને ભલાશું ક્યાં સુધી ઉંઘ્યા કરો.
કેટલી ભીતર મહીં તો ,જાગવાની વાર છે.
               - દેવેન્દ્ર ધમલ

તીર મારા હાથમાં છે; લક્ષ્ય મારી આંખમાં,
રાહ જોઉં છું સમયની, તાકવાની વાર છે.

                 રત્નેશ અલગોતર "નિરાશ"

પ્રશ્ન ક્યાં આરામ કરવાનો તો છે હંમણાં જરા ,
દોસ્ત, મંઝિલને હજી તો આંબવાની વાર છે !
              - હેમંત મદ્રાસી

આભ જાણે આંબવાને  નિકળ્યા ઉડતા પરે,
પગ તળે સરતી ધરાને પામવાની વાર છે.
            - માસૂમ મોડાસવી

હર ક્ષણે તું સાથ પારાવાર તારી છે કૃપા
તો પછી કર ને કરમ! છો આગની એ ધાર છે!
       -હેમા ઠક્કર "મસ્ત "

મેં કીધું કે આપ જમવા, ક્રોધથી એણે કીધું,
ખીચડી ચુલે ચડી છે, પાકવાની વાર છે.
              મિત્ર રાઠોડ

મન બળ્યા જલતા હ્રદય ને ઠારવા ચાહો મગર,
જાગતાં ખોટા વિચારો મારવાની  વાર છે.

            માસૂમ મોડાસવી .

લાગણી , વિશ્વાસને થોડા હજી ભેગા કરો ,
પ્રેમ સંબંધો હજુ તો ,જામવાની વાર છે.
               - દેવેન્દ્ર ધમલ

છો રહી તકલીફ જીવનમાં, ફિકર છોડને!
છે હજી બાકી; એ હિમ્મત હારવાની  વાર છે.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

દિલ તણાં આ બાગમાં જોને  બધું વેરાન છે,
ખીલશે આ ફૂલ  તારા ચાહવાની વાર છે.
-સંદિપ ભાટીયા"કવિ"

લાગણીની જાતને લલકારવાની વાર છે,
સાવ ખુલ્લા ઘાવને પડકારવાની વાર છે.
....વર્ષા પ્રજાપતિ ઝરમર

આ સિતારાએ ગગનને આંબવાની વાર છે,
બસ બધી તકલીફ ભોં માં દાટવાની વાર છે.
અયુ

રાહ તો તૈયાર છે બસ ચાલવાની વાર છે
ભોમિયાના હાથને બસ ઝાલવાની વાર છે

કિરણ જોગીદાસ

વાત દરિયાની બધે ચર્ચાઇ જાતી છો હવે,
એક સહરાને હજી આકારવાની વાર છે
.....વર્ષા પ્રજાપતિ ઝરમર

સાંભળી મારી વ્યથાને આવશે એ દોડતી,
આ કબર માથે કફનને ઢાકવાની વાર છે.
-આભાસ

ગાલ તારા જો ગુલાબી રંગ દિસતો પ્રેમનો,
છો જગત કંઇ પણ વિચારે માનવાની વાર છે.
                ડૉ. જિજ્ઞાસા

દૂરથી જોતી મને તો પણ હજું છું હોસમાં.
ઘાતકી એ તીર તારું વાગવાની વાર છે.
-સંદીપ ભાટીયા"કવિ"

આજ કોરી આંખમાં મેળો ઉભરતો કેમ છે ?
પ્રેમના ઉન્માદને તો આવવાની વાર છે !
                -  નિશિ

તાગવા સ્હેલા છે અહીંયા આભ કે પાતાળને
માત્ર માણસનાં જ મનને તાગવાની વાર છે
               - સતીષ સખીયા

મૃગજળ પાછળ સતત બસ દોડતા આમજ  રહો
જીંદગીમાં થાકવાની  હાંફવાની વાર છે
                   - સર્જક

હોય છે અઢળક છતાંયે એક પણ ના કામની
ઝંખનાના મર્મને બસ જાણવાની વાર છે
      - કિરણ રોશન

એક રાજાને હતી બે રાણીઓ, એ વારતા,
આજની પેઢીને માફક આવવાની વાર છે.
         -મંથન ડીસાકર

એક તારા નામ પર જીવી રહી છું પ્રિયતમ
ને  હવે  તારે  મને  સ્વીકારવાની વાર છે !
                - પારુલ વાળા

આભ ખુલ્લું, પાંખ પણ છે ને અનુકૂળ છે પવન,
પાંખને હીંમત કરી ફફડાવવાની વાર છે?
મંથન ડીસાકર

પ્રેમ માગ્યો ના મળે એ પ્રેમથી પામો તમે,
આ અપેક્ષાઓ બધીએ સાવ બૂઠ્ઠી ધાર છે!
        -હેમા ઠક્કર "મસ્ત "

આપણે 'ઉસ્તાદ' છીએ એટલે ચાલ્યા સતત;
જે નથી એને હજી પણ ચાલવાની વાર છે.
- કૌશિક પરમાર "ઉસ્તાદ"

પૂછતાં તો મેં ઘણાં પૂછ્યાં સવાલો છે તને,
એક ઈશારો નયનનો, આપવાની  વાર છે.

                - ભાવિન દેસાઈ 'અકલ્પિત'

આ સભામાં મેં ગઝલ ગાઈ હતી જે નામની,
એ હવા, એના સુધી પહોંચાડવાની વાર છે?
મંથન ડીસાકર

વાસ એનો શ્વાસથી બારો નથી જપતા રહો,
પામવા એ પરમને તંબૂરનો એ તાર છે

ડૉ. ભાવેશ જેતપરીયા

હા અમે દિવાલ તોડી નાખશું પણ રાહ જો,
હાલ છું હું બીજ, ફણગો ફૂટવાની વાર છે
           - વિપુલ અમરાવ

કલમની  ભીનાશ  બોલી, આખરે શાહી  થકી,
ઊતરે  છે   જે  શબ્દ  થૈ,   ફોડવાની  વાર  છે.
                            
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

એજ લત છે હાલ એ દેખાય તો જોયા કરો,
જે લકીર ફકીર રંગી કૈંક એવો સાર છે

     ડૉ. ભાવેશ જેતપરિયા

જ્યાં ખબર થઇ  યમસદનથી તેડુ આવી રહ્યુ છે,
તે છતાં કહ્યું નયનજળ સારવાની વાર છે.
   -સંદિપ પટેલ"કસક"

આવી હિમ્મત હોશ માં તો એટલું બોલી પડી ,                                  તારી મંજિલ છે કદમ માં ,ચાલવાની વાર છે ,                       કાસિમ શેખ "સાહિલ "

ભાગફળ તો આખરે પ્રેમ ચોખ્ખો આવશે ,                                                  મારી સાથે આ જગત ને ભાગવાની વાર છે ,                                           કાસિમ શેખ "સાહિલ"

કેટલું વિસ્મય હતું એ સાવ ભોળી આંખમાં,
ખૂંચશે એમાં બધું સમજાવવાની વાર છે.
                - ભાર્ગવી પંડ્યા

નમ  થયેલી આંખમાંથી અશ્ર્રુધારા જ્યાં વહે ,
તે નયનમાં પ્રેમ કાજળ આંજવાની વાર છે.
  -સંદિપ પટેલ"કસક" 

💐💐💐💐💐💐💐💐
સંકલન :-  દેવેન્દ્ર ધમલ
               ભરતભાઇ ભટ્ટ 'તરલ'

No comments:

Post a Comment