હડફ નદી ને કાંઠે
રાત જામી છે
દૂર દૂર કીકીઓ તગતગે છે
નિર્વસ્ત્ર રાત સાવ નીરવ થઈ ગઈ છે
વૃક્ષ માથે ઉભેલું આભ ટેકો શોધે છે
મહામહિમ રાત અધકચરી હોય તેમ લચી પડી છે
જીભમાં સ્વાદ ગલગલીયા કરે છે
ને બેખોફ જીવતું જીવન ધબકે છે નદી કાંઠે
ત્યારે તું યાદ આવે છે
તગતગતી તલવાર જેવી
ચળકતી તારી આંખો યાદ આવે છે
સભાન અવસ્થામાં તને સ્પર્શી ને
લોથપોથ થઈ ગયેલી લાગણી યાદ આવે છે
નિતરેલા વસ્ત્રો જેવી સાવ નિર્મળ ઈચ્છા યાદ આવે છે
કોરાંકટ સ્વપ્નો માં નાહી ને સ્વચ્છ થઈ ગયેલી માછલીઓ જેવી ક્ષણો યાદ આવે છે.
રાત ધીમા પગલે ચૂપચાપ
વહી રહી છે હડફ નદીના કાંઠે.
એમ તારા સ્મરણો પણ
વહી રહ્યા છે....નિરાંતે નિરાંતે.
વીનું બામણિયા'અતીત"
No comments:
Post a Comment