Wednesday, 24 May 2017

અછાંદસ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

યાદોની ગઠરિયા

કોઈ મનગમગતી ક્ષણને
ગતિમાં અનુભવીને
સતત પકડવા મથું,
છટકવું એનો સ્વભાવ
એટલે હું એને પકડી ના શકું
પ્રયત્નો આજ સુધી.....
યાદોને હરપળ
બેય દાંતે ઊભા ગળે ચાવવી,
પતંગની જેમ આકાશે ચગાવવી
નિરાંત નહિને વાગોળવી
નીચોવવી જાતને
આંખોથી ટપકાવવી
એમ ચાલ્યા જ કરે ......
એ યાદો વળગણ બની
મૂળસોતી ઊગ્યા જ કરે
કિલ્લેબંધી કરીને મને ભીડવે
મો વકાસ્યું કરીને ચીડવીને
ટકોરા મારે
રોજ અડધી રાતે
તાળું દઈને ઘસઘતી ઊંઘને
કાન ઝાલીને ફંગોળે ગોળગોળ
અને પાછી
સૂરજની સાથે જ ઊગે,
ક્યારેક અંદર જંતેડો બનીને છોલે,
કયારેક સરગમ બનીને રણઝણે,
એકાંતની પૂંજી બનાવીને
કયારેક
હૈયાના પટારામાં હળવેક દઈને
એક ખૂણે છૂપાવી દઉ.
કયારેક યાદોની સરવાણી
ખળખળ વહે
કયારેક વમળોમાં ધકેલે
તો
મોજાં સાથે ગૂંથાઈને
સમાઈ જાઉ
સિંદૂરિયા થાપા પર
અશ્વના ડાબલાંના અવાજે
વહી જાઉ દૂર દૂર
ગમતીલા દેશમાં.......!

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment