કેટલો મજબૂર છું,કોના સહારે ઊભો છું?
છે દર્દો આ જિંદગીમાં ને કિનારે ઊભો છું.
હોય બાકી તો કહો એને હજી આપી જાયે;
ના સિતમ રાખે હવે બાકી,મઝારે ઊભો છું.
હો મજાની એક પળ એવી,નશામાં પોઢું હું;
ભર,અનોખી છે અદા સાકી,વિચારે ઊભો છું.
જો!અહીં ખંડેર છે એ ઘર હતું,કેવું વ્હાલું!!
છે ગલી કાતિલ તણી,કેવા બજારે ઊભો છું!
ને અગમ જાશે પછી એની ય બદનામી થાશે;
ઓરતા સળગાવશો મા,હું તિખારે ઊભો છું.
-શૈલેષ ચૌધરી 'અગમ'
જાય છે દિવસો હવે મારા ય,એના ખ્યાલમાં;
હું ભલા જીવી ગયો,સંજીવની છે વ્હાલમાં.
શાંત ફળિયું પણ,હિલોળે કાં ચઢે એ આવતા?
કાંઇ કામણ છે ગજબનું,યાર એની ચાલમાં!
ખૂબ મૂંઝાયા પછી બેઠાં હતા શમણાં બધા;
આંખ જ્યાં ભેગી થઈ,આવ્યાં ખુશીથી તાલમાં.
વીતશે ક્યારે હવે આ રાત?બસ તારા ગણો;
ને મિલન દેખાય છે એનું,મને તો કાલમાં.
કેટલી પ્યારી બની છે જિંદગી મારી 'અગમ';
ના કશે બરકત હતી,જીવ્યો ય કેવા હાલમાં!
-શૈલેષ ચૌધરી 'અગમ'
No comments:
Post a Comment