Saturday, 29 July 2017

ગઝલ

નાચતું આકાશ ધડધડ ને પછી શું શું ગયું?
વાવ, વિરડો, વ્હેણ, વાદળ ને પછી શું શું ગયું?

તેજલિસોટે ચમકતી વીજ  જોગણ ભાસતી! !
શું હતી? ગેબી એ ચળવળ ને પછી શું શું ગયું?

આંખના પલકારમાં એ ત્રાટકી  કુદરત, પછી
કોણ આગળ, કોણ પાછળ, ને પછી શું શું ગયું?

ભાન કે બેભાનતાની સમજ  સરકી ગઇ કશે!
સાવ ઞોઝારી હતી પળ ને પછી શું શું ગયું?

ધોધમારી ચાલબાજી,  વેગવંતો  મેઘલો,
ઊભર્યા છલક્યાં જે ભૂ તળ, ને પછી શું શું ગયું?

વામણો માનવ થયો, સાવે બન્યો એ પાંગળો!
શ્વાસનાં ખૂટ્યા એ અંજળ ને પછી શું શું ગયું?

----------------હેમા ઠક્કર "મસ્ત "     29-7-17

No comments:

Post a Comment