Saturday, 29 July 2017

ગઝલ

હું નહીં વેચી શકું કોઇ દામથી મારી વ્યથા,
હું નહીં વ્હેંચી શકું કોઇ રીતથી મારી પીડા.

આમ તો પીડા-વ્યથા જાતે જ માણો તો ખરું,
શી રીતે પહોંચાડવી મારે આ મારી ભાવના..?

હું કહું..? જીગ્શો પઝલ જેવી છે આખી જિંદગી,
કોઇ જલ્દી કોઇ મોડાં મેળવે છે ચોકઠાં.

છે રમત રમવાની અહિંયા આમ તો સૌ કોઇએ,
પોતપોતાની રીતે બદલે છે સૌ અહીં કાયદા.

કર્મના ફળ જે રીતે મળતાં છે એને જોઇને,
લાગતું એ પણ હવે રાખે છે નોખાં કાટલાં.

મનમાં ઉઠતા પ્રશ્ન ને શંકા જીવનનું ઝેર છે,
ઝેરનાં કોઇ રીતે કરવા ન સારાં પારખાં.

સહેજ પીડા ને વ્યથા ‘આનંદ’ અવઢવ ઘોળીને,
ગટગટાવી પી જજો લ્યા..! આવશે તમને મજા.

– અશોક જાની ‘આનંદ’

No comments:

Post a Comment