હવે હું બધાથી છું ઉંચે, હવામાં,
મને કોઈ નાખી ગયું ત્રાજવામાં.
અમારી પ્રતીક્ષાનું મૃત્યુ થયું છે
તમે સ્હેજ મોડું કર્યું આવવામાં
તમારી કૃપાથી જ લાંબુ જીવાયું
અમે ઝેરને વાપર્યું છે દવામાં
કદી ચકલી આવી પછાડે નહી ચાંચ!
અરીસો ઉગ્યો છે કે શું ઝાડવામાં?
મને યાદ આવે છે જૂની તબાહી
એ જ્યારે પુછે છે કે શું છે નવામાં ?
અમે રણમાં પ્હોંચીને ઊભી કરી છે
ગળાકાપ સ્પર્ધા બધા ઝાંઝવામાં
ભાવિન ગોપાણી
No comments:
Post a Comment