Thursday, 17 August 2017

અછાંદસ

*મારું ઘર........?*

એકરોજ
બેઠો હતો હું
રંગો, પીંછી, કાગળ પેન્સિલ... વગેરે
લઈને,
ચિતરવા ઇચ્છતો
મુજ  નયનમાં નિહાળી શકતો
એ નયનરમ્ય દ્રશ્યોને,
રંગ, રેખાઓ વડે આકાર આપી કાગળ-કેન્વાસ પર
જીવંત કરવા;
જેમાં ચીતરવી હતી
ઇશ્વરની એ ભવ્ય સૃષ્ટિ;
પહાડ, ઝરણાં, વૃક્ષો,  આકાશ, વાદળ, અને પક્ષીઓ,
તો ક્યાંક   માનવનિર્મિત સૃષ્ટિ;
ઘર-મકાનો,રસ્તાઓ, પુલો, ભવ્ય ઈમારતો.
વળી હતી એમાં મુજ કલ્પનાની સૃષ્ટિ;
જે મુજ ભીતરની લાગણીના ઘેરા રંગે રંગાયેલ હતી.
પીછીંના લસરકે ચીતરાઇ ગયું આ બધું જ,
રંગબેરંગી આ દુનિયા.
રંગીન આ ચિત્ર આંખોને આહ્લાદક  લાગી રહ્યું હતું,
ત્યારે અટકી પડી મુજ નજર
ચિત્રના એ સુંદર ઘરો પર,
અને હૈયે ઉદ્ભવી ઉઠ્યો એક પ્રશ્ન....!
"ચિત્રમાં બનાવી શકું છું હું
આ સુંદર અને ભવ્ય ઘર
પરંતુ
શું હું  ક્યારેય બનાવી શકીશ....?
મારું પોતાનું
આવું સુંદર  ઘર..?

*~મનુ.વી.ઠાકોર "મનન"*

No comments:

Post a Comment