###વેદનાનું ગીત###
એક માછલી ની આંખમાં આંસુ,
ભળી ગયું એ તો જળમાં આ શું?
જોને ચોરસ થયો છે સમંદર,
યુદ્ધ જામ્યું છે મોટું; મનની અંદર
આખી જિંદગી રહેશે કાચની દીવાલો,
નિરાશાના ખૂણે ઉઠે છે અનેક સવાલો,
પરપોટા થઈ થઈ ફૂટે એક એક નિસાસુ.
એક માછલી ની આંખમાં આંસુ...
ઉછળકૂદ કરે આંખના ખાબોચિયે યાદોની માછલી,
ભૂતકાળના ગુલાબની મહેકથી છલકી ખુશીઓની ગાગરી,
ખુલ્લા આભાના આંગણે નદીમાં કરતી છબછબિયાં,
અફાટ જળના ખૂંદયા ઊંડા ભોંય તળિયા,
ખુશીઓની હવેલી પર લાગ્યું ગ્રહણ ખાસ્સું,
એક માછલી ની આંખમાં આંસુ...
હરખના આસોપાલવ ને પતઝડનો શ્રાપ લાગ્યો,
પ્રણયની પાળ પરથી અણીદાર કાંટો વાગ્યો,
અરમાનોના વાદળ ખાલી ખમ થયા છે,
આ કેદે એની ઇચ્છાઓના ચીર હર્યા છે,
એની આંખોમાં મારી વેદના તપાસું,
એક માછલી ની આંખમાં આંસુ...
-સંદિપ ભાટીયા "કવિ"
No comments:
Post a Comment