Friday, 11 August 2017

ગીત

ગીત:માણસ ગંધાય

ચોરે ને ચૌટે બેઠા છે ભૂખડા
કેમેય એની ભૂખના ભંગાય રે,
આજે માણસમાં ગીધડા ગંધાય રે.

કૂતરાને નાંખે છે મોંઘેરું ખાણું,
રંકોની ઇચ્છાનું ખેંચીને ભાણું,
આંસુના પાણીથી,પ્રાણીના પેટેથી ધાન એના ઘરમાં રંધાય રે,
આજે માણસમાં ગીધડા ગંધાય રે.

સુકાયેલી ડાળીથી શણગારે ઘરને,
ફૂલોનાં અત્તરથી ઢાંકે બિસ્તરને,
રડતા એ વૃક્ષોને, વાદળની હેલીમાં કુદરતની વેદના બંધાય રે,
આજે માણસમાં ગીધડા ગંધાય રે.

દિવસોને બાંધે એ દીવાની કાળાશે,
માંડે ત્યાં ડગ પાછો ચાંદાની આડાસે,
તૂટ્યા સૌ તારાઓ,છૂટ્યા'તા નભથી
અજવાળા કેમના મંડાય રે!,
આજે માણસમાં ગીધડા ગંધાય રે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment