કમાલ છે : તરહી
શસ્ત્રો વિના પ્રહાર કરે છે, કમાલ છે! #
ને પાછા આરપાર કરે છે, કમાલ છે! #
પથ્થર સહી ગયો કટારના પ્રહાર, એ
બુઠ્ઠી કરીને ધાર કરે છે, કમાલ છે!
જો તો ખરો હજુ તો વાર છે પ્રહારની
જોયા વગર તું વાર કરે છે, કમાલ છે!
હું બેયને જોડીને કરું એક અને તું
બે બે કરીને ચાર કરે છે, કમાલ છે!
હું રાત રાત જાગી રાહ જોઉં અને તું
ના આવીને સવાર કરે છે, કમાલ છે!
કેવી કમાલ છે, મીંચેલ પાંપણો છતાં
તું આંસુઓની ધાર કરે છે, કમાલ છે!
પડતાનો હાથ પકડીને ગુનો કર્યો નથી
ને તોય એ સ્વીકાર કરે છે, કમાલ છે!
પડતાને પાટુ મારવાનું કૃત્ય કરીને
પાછળથી સારવાર કરે છે, કમાલ છે!
ઘાયલની ગતને જાણવા ઘાયલ થવું પડે?
એ બાણ આરપાર કરે છે, કમાલ છે!
શંકર જટામાં ચંદ્રમા અને ગ્રીવા મહીં
સર્પનો શણગાર કરે છે, કમાલ છે!
આવી ગયો હું, હવે જવાના સમયમાં
એ કેમ ફેરફાર કરે છે? કમાલ છે!
- હરિહર શુક્લ
No comments:
Post a Comment