ગઝલ
રોમ રોમે પ્રેમનો ઉન્માદ રાધા
ને સ્મરણમાં સાચવેલો સાદ રાધા.
અર્થ મીરાનો કરી લ્યો કામળી તો,
વાંસળીમાંથી વહેતો નાદ રાધા.
અાંસુના વરસાદમાં ગોકુળ ડૂબ્યું છે,
અેક અેમાં છે જુઅો અપવાદ રાધા.
અાંખના કેવળ ઇશારામાં થયેલો,
શબ્દથી પર હોય અે સંવાદ રાધા.
કૃષ્ણ નામે જ્યાં ઘટા ઘેરાઇ જાતી,
હોય અનરાધાર ત્યાં વરસાદ રાધા.
વાંસળીમાંથી જીવન છો બાદ થાતું,
ના કરી શકશે હ્રદયથી બાદ રાધા.
કૃષ્ણનો સંદેશ લઇ અાવ્યા કરે જે,
અે હવાને શું કરે ફરિયાદ રાધા ?
મોરપીંછાને ખબર છે કે નિરંતર-
ઝીરવે છે કેટલો અવસાદ રાધા.
જિજ્ઞા ત્રિવેદી
No comments:
Post a Comment