Sunday, 13 August 2017

ગઝલ

કાંઠાનો પણ તો આજે સહારો નથી રહ્યો ,
વિસ્મય છે કે નદીને કિનારો નથી રહ્યો !

હા, પહેલાં જેવો તો હું  પીનારો નથી રહ્યો,
જાણું છું કે સમય હવે મારો નથી રહ્યો !

ક્યાં  છોડવી તો સહેલી છે દુનિયાને આમ તો?
હસતા મુખે હવે કો' જનારો નથી રહ્યો !

ના એકલા જવાનું તો રાખો તમે હવે!
આજે જમાનો તો જરા સારો નથી રહ્યો !

ના સ્પર્શે છે મને તો કશું  પણ હવે જરા,
આ જિંદગીની સાથે પનારો નથી રહયો !

જોવા મળે સરસ ઘણા ચહેરા અહીં બધે,
સૌંદર્ય પર કોઈનો ઈજારો નથી રહ્યો !

બોલાવતી જે મૌન રહી ને મને સદા ,
એ આંખનો હવે તો ઈશારો નથી રહ્યો !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment