Wednesday, 11 October 2017

ગઝલ

પોલું હતું તે વાગ્યું, નક્કર બન્યું નકામું,
શબ્દોની આ રમતમાં, બખ્તર બન્યું નકામું.

સંબંધ આપણો જો, ખિલતો રહ્યો મુકામે,
કર સ્વાર્થને તું બાતલ, ચણતર બન્યું નકામું.

વિખવાદ ને વિવાદો, ઢગલો વિકાર આજે,
સંવેદનો, તરલતા, ઘડતર બન્યું નકામું.

પીતો રહ્યો તું કાયમ, પીડાની પોટલીઓ,
દિલ સાબદું હતું પણ સધ્ધર બન્યું નકામું.

પૈસાની બોલબાલા, લટકા કરે તે માણે!
ભણતર છે ધૂળધાણી, ગણતર બન્યું નકામું.

ડો જિજ્ઞાસા, 'પ્રકૃતિ'

No comments:

Post a Comment