Monday, 23 October 2017

ગઝલ

કોઇ ના આવ્યું ઘરે ,
                     ના કોઇને મળવા ગયા
ટેબલે કાજૂ -બદામો
                         જેમના તેમ જ રહ્યા.
આમ પણ પહેલાંની માફક
                         ક્યાં કશું યે થાય છે ?
એ જ ટેબલક્લોથ છે,
                      ના ચાદરો બદલાય છે .
ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ
                              ના કોઇ ખાય છે .
થોડી સુગર ફ્રી મીઠાઇ
                        ડીશમાં પીરસાય   છે.
બારણે પ્લાસ્ટિકના તોરણ
                      ને સ્ટીકરમાં લાભશુભ .
લક્ષ્મી પગલાં ઉંબરે
                        ક્યાં કંકુથી દોરાય છે !
એ નવા કપડાની જોડી ,
                      ન બૂટ પર પાલીશ કરી,
બોણીની આશા લઇ
                     ઘર ઘર નહીં ગણાય છે.
તારામંડળ, ભોંય ચકરી,
                              કોઠી ને રોકેટ એ,
લૂમ  ટેટાની ક્યાં રસ્તે 
                              ઠાઠથી ફોડાય છે.
સાપની ટીકડીનો એ
                       કાળો ધૂમાડો શ્વાસમાં,
આજ એ સ્મરણોની શેરીમાં
                                બધે પથરાય છે.
હા, સમય બદલાય સાથે
                              કેટલું બદલાય છે.
તો ય એવું લાગતું
                        કૈં ભીતરે ગૂંગળાય છે.
                               
  -તુષાર શુક્લ

No comments:

Post a Comment