જાત એ રીતે ઉજાળી છે અમે,
કે નદી ઘરમાં જ વાળી છે અમે.
ઠારવા ઘરનો ચુલો કાયમ ભલા,
અશ્રુથી ભીંતો પલાળી છે અમે.
સાવ સુક્કા ટેરવાની જાત છું,
આંગળીઓ એમ બાળી છે અમે.
જીવને અંધારુ કોઠે પડ્યુ એમ,
ચાંદની પણ પ્યાસ ટાળી છે અમે.
એક ક્ષણ તારા મિલનની આશમાં,
રાત આખી શમણે ગાળી છે અમે.
જીંદગી તલવાર જેવી તીક્ષ્ણ, પણ,
સ્મિતના બીબામાં ઢાળી છે અમે.
રામ મારામાં ભલે ના હો' છતાં,
બોરમાં શબરીને ભાળી છે અમે.
શૈલેષ પંડ્યા.... નિશેષ
No comments:
Post a Comment