Wednesday, 11 October 2017

ગીત


આપણે આપણી રીતે રહેવું :
ખડક થવું હોય તો ખડક :
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેવું ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મૂંગા થઈને સહેવું અને કહેંવું હોય
તો પંખીની જેમ કહેવું !
ખડક થવું હોય તો ખડક :
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું.
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવુંદેવું કાંઈ કશું નહીં : કેવળ હોવું :
એ જ તો રહેવું :
ખડક થવું હોય તો ખડક :
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

- કવિ સુરેશ દલાલ

No comments:

Post a Comment