Tuesday, 3 October 2017

અછાંદસ

ઘડિયાળ : અછાંદસ

ચાલે છે ...

સેકન્ડ કાંટો તો ઉધમાતિયો
ઊંધું ઘાલીને ફર્યા કરે છે ફેર ફૂદરડી
હાંફયા વિના, અવિરત ...

મિનિટ કાંટાનું કશું કહેવાય ના!
સ્થિર છે કે અસ્થિર, ખબર ના પડે!
ફર્યો એની જાણ થાય, જ્યારે
કલાક કાંટા સાથે મળી
અચાનક સાત પાંચ કરે!

કલાક કાંટો મને પ્રિય, સ્થિતપ્રજ્ઞ ...
આળસુ યે ખરો ...
મિનિટ કાંટો કેટલુંયે કરે ત્યારે
એક ડગલું ચાલે માંડ ...

કોણ ચલાવે છે આ કાંટાઓને?
ખબર છે, છે એક નાનકડું, ચમકીલું બટન ...
બદલવું પડે ક્યારેક
ઘડિયાળ ચલાવવા ...

ઘડિયાળ બાંધી રાખ્યું છે કાંડે
તોય, બોલો, ચાલે છે!

એમ તો
છાતીની ચાર ખાના વાળી ધમણ પણ
ચાલે જ છે ને
પાંસળીઓમાં પૂરી છે છતાં!

પણ એનું બટન હજુ સુધી ક્યાં જડ્યું છે?
બદલવાનું નહીં થયું હોય?

- હરિહર શુક્લ
  ૦૩-૧૦-૨૦૧૭

No comments:

Post a Comment