આંગળી ઝાલતી માં વિષે શું લખું ?
સહુને સંભાળતી માં વિષે શું લખું ?
સ્મિત ફરકાવતી માં વિષે શું લખું ?
આંસુ છુપાવતી માં વિષે શું લખું ?
રોજ ઘર વાળતી માં વિષે શું લખું ?
જિંદગી સવારતી માં વિષે શું લખું ?
ઊંઘ ખોળા મહીં આવતી'તી દુર્લભ
પીઠ પસવારતી માં વિષે શું લખું ?
ભૂલ ચૂક માફ કરતી, ક્ષમા આપતી,
પ્રેમે પુચકારતી માં વિષે શું લખું ?
અંધકારો સહ્યા નવ મહિના છતાં
કોખ ઉજાળતી માં વિષે શું લખું ?
પેટ ભરવા સહુના, ચૂલાની સંગે
અંગ અંગ બાળતી માં વિષે શું લખું ?
સ્થિર બેસે જરા તો હું કંઈક લખું
દોડતી, ચાલતી માં વિષે શું લખું ?
એ ઉજાસે મળી છે સવારો સુખી
રાત અજવાળતી માં વિષે શું લખું ?
સુધીર દત્તા
No comments:
Post a Comment