|| યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા: ||
માલામાલ
તારી એક એક વાતમાં કમાલ રે,
અમે પળભરમાં થઇ જઈએ ન્યાલ રે.
તું તો નીરખે ત્યાં ઊડે ગુલાલ રે,
અમે પળભરમાં થઇ જઈએ ન્યાલ રે.
ઝાકળની પાંદડીમાં હૈયું ગૂંથીને પછી ઝળહળતો દીધો આ દેહ રે!
પાંપણ ખોલીને જરા મધમીઠી જનનીની નજરેથી પીવડાવે નેહ રે!
તારી કીકીમાં ટહુકે છે વ્હાલ રે,
અમે પળભરમાં થઇ જઈએ ન્યાલ રે.
મ્હેંદી મુકાય એમ ધૂળની હથેળીમાં મૂકી દે પગલીની ભાત રે!
લીલાંછમ્ ગીતોનાં લીલાંછમ્ સપનાંમાં ઊઘડે છે લીલીછમ્ વાત રે!
તારી કેવી આ મ્હેકભરી ચાલ રે,
અમે પળભરમાં થઇ જઈએ ન્યાલ રે.
ઝરણાંઓ આવીને નવડાવી જાય પછી સૂરજ પણ આંજી દે તેજ રે!
દરિયાનાં મોજાંઓ હાલરડાં ગાઈ ગાઈ હીંચકો નાંખીને જાય સ્હેજ રે!
આખો અવસર થઇ જાય માલામાલ રે!
અમે પળભરમાં થઇ જઈએ ન્યાલ રે.
કૃષ્ણ દવે………(“વાંસલડી ડોટકોમ”માંથી)
No comments:
Post a Comment