~~ લાયકાત ~~
એની સામે અગણિત ઉત્કૃષ્ટ ઉદાહરણોનો ખડકલો હતો..
મા.. નાની.. દાદી.. ફોઈ, માસી, કાકી..
એની પોતાની મોટીબેન..
ઓછું હોય એમ
સીતા અને સાવિત્રી પણ ખરાં જ!
એ કહ્યાગરી દીકરી બની..
એને બચીઓથી ગુંગળાવી દેવામાં આવી..
એ ગુણિયલ વહુ થઈ..
એની સામે સુખનો ઢગલો ખડકી દેવામાં આવ્યો!
એ ઉત્તમ મા પણ બની.. ત્યાગની મૂર્તિ સમી!
આ આખી સફર દરમિયાન
અસંખ્ય અલ્પવિરામો અને પૂર્ણવિરામોમાંથી પસાર થવું પડ્યું.
ત્યારે જઈને એ ખરું સોનું સાબિત થઈ..
પણ,
પેલાને આમાંથી કશુંય કરવું પડ્યું નહિ..
કારણ -
એની પાસે મૂછો હતી.
~~ રાજુલ ભાનુશાલી
~~ પ્રભુ ને- ~~
તું કબૂલ કેમ નથી કરી લેતો કે
તે-
અહીં મોકલતા પહેલા
બધાને 'ખુશ' રાખવાવાળો વાઈરસ મારી અંદર ઇન્જેક્ટ કરી દીધો છે
અને એ હવે એટલી હદે ફેલાઈ ગયો છે કે..
તે-
'મહાનતા'ની કલગી ચોંટાડીને સામે સ્વાભિમાન લખાવી લીધું!
મારા સ્ત્રી હોવાની મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો.
અહીં આવીને
મેં હાથોહાથ તારા ભાગનાં કામ ઉપાડી લીધા.
સર્જન - અનુસર્જન - પ્રતિસર્જન
હું,
પત્થર પર ફૂલ ઉગાડવાનાં પ્રયાસમાં છું,
રણપ્રદેશમાં પરબ ખોલીને બેઠી છું,
જંગલમાં ય મંગલ ઉજવતી દેખાઉં!
એવરત- મેં કર્યા..
જીવરત- મેં કર્યા..
શીતળાનાં એકટાણા ય મારે ભાગે આવ્યાં.
અરે..
કમસે કમ, વટસાવિત્રી મારા માથે ન થોપ્યું હોત!
તો કદાચ
મારી ય તન-દુરસ્તી,
મન-દુરસ્તી અને લાંબા આયુષ્યની કોક તો કામના કરતું હોત!
તારું લિંગ પણ પૂજાય
ને,
મારે સેનીટરી પેડ પણ છાપામાં વીંટાળવાના!
ખેર, આખરે તું ય પુરુષ ખરોને?
પણ,
હવે તારી પોલ ખુલી ગઈ છે.
કે,
તે-
મને શા માટે અવતારી
તું પણ હવે કબુલી જ લે.
~~ રાજુલ ભાનુશાલી
No comments:
Post a Comment