Tuesday, 12 June 2018

અછાંદસ

ર.પા. ને...
*******

કાં કેમ છો?
આમ ડાફોળિયાં મારો મા…..
તમને જ કવ છું…મેશની આગળ ‘ર’ ઠઠાડીને બેસી ગયેલા રાજવી !
તમને.

જો કે તમારે હું વાંધો હોય ?
હરગમાં તો…બાર પાલીનો બાજરો…
એય ને..હાકલાં , પડકારાં ને ધુબાકા !
હાચું ને?

તમે તો ગ્યા ઈ ગ્યા
કોઇ દિ અમને નો હંભાર્યા!

આજે પેટછૂટી વાત્યું કરવી છે
તમે ગ્યા પછી તો… શું કવ !
હાવ આડો આંક વળી ગ્યો છે બાપલિયાં
આંયા બોવ અંધેર હાલે છે.
ઓલી…સોનલ નો’તી?
ઈ મગજમેટ થઈ ગઈ
જીંથરકા વાળ, ફાટલ લૂગડાં,
હાથમાં સૂકાયેલ ફૂલની પાંદડિયું લઈને
અમરેલીની ઊભી બજારે ધોડતી રે છે
રાત’દિ !

તમને શું કવ?
હાચુંખોટું કાનો જાણે પણ હાંભળ્યું છે કે..
ગોકુળમાં ‘અમુલ’ની કોથળિયું વેચાય છે,
અને રાધાડીને તો ધોળાવાળ અને બાટલી કાચનાં ચશ્મા આયવા છે
હી..હી..હી… કેવી ભૂંડી લાગતી હયશે નહી?
અને…આપણા અમરેલીમાં તો…આહાહા
બબ્બે મસાણ હોં !એવા જાજરમાન કે…
મરવાનું મન થઈ જાય !

હયશે..મેલો પંચાત , મૂળ વાત ઈ હતી કે
તમારા ગ્યા કેડે
કવિતાયું બચ્ચારી વહૂકી ગઈ છે
હાવ…નધણિયાતી થઈ ગઈ છે બાપ…
ક્યાંક વળી કો’ક બચાડાજીવ એને દાણોપાણી નિર્યે રાખે છે.
પણ ક્યાંક તો…અરર..
અવેડાનાં ડાટાં કાઢે એવાં ઓટીવાળ લબરમૂછિયાવે
એને ઘરમાં પૂરવાના સોગન લીધાં છે બોલો !
મારા હાળાવ..ગોલકીનાવ…
કવિતાયું તો દુધાળી ગાવડિયું કેવાય
ઈ તો મા કેવાય મા..એને પરાણે ઘરમાં નો બેહાડાય….એની પૂજા કરાય.

જાજી વાતે ગાડાં ભરાય…મારી તમને એટલી જ અરજ છે સાયેબ
બીજું કાંય નો થાય તો ઓછા નામે…
તમારો ઓલો ગધેડીનો ઈશ્વર છે એને અને મા સરસતીને
બે હાથ ને ત્રીજું માથું જોડીને
ધા નાંખજો કે…
મારા મલકની કવિતાયું બેઠી થાય
એની કાયા બંધાય
એની આંખ્યું ઝબકે
એનાં આંચળ છલકે
એ ક્રોડ વરહની થાય
એનાં શીંગડા-પૂંછડાથી
ઓલા ઓટીવાળોને ભોંભેગા કરે
એવી બળૂકી થાય.

બસ..લ્યો ત્યારે..
આવજો..રામ રામ.

—પારુલ ખખ્ખર Parul Khakhar

No comments:

Post a Comment