જીવાડશે--સંજુ વાળા
કોઈને સુખ કોઈને ન્યોછાવરી જીવાડશે
અમને કવિતા નામની સંજીવની જીવાડશે
અણસમજ ભમરાની યજમાની કરી જીવાડશે
જાત ઓઢાડી કમળદળ-પાંખડી જીવાડશે
શું વધારે જોઈએ ? એક્ કાળજી જીવાડશે
લખ અછોવાનાં બરાબર લાગણી જીવાડશે
હાથમાં હિંમત નથી ‘ને પગ તો પાણીપાણી છે
તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જીવાડશે
સાચાં-ખોટાંના બધાયે ભેદ તો સાપેક્ષ છે
શિર સલામત નહીં રહે તો પાઘડી જીવાડશે
શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યા ખબર છે ! કઈ રીતે બારાખડી જીવાડશે
ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
કૈ નહી તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે
('કવિતા નામે સંજીવની'માંથી - પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર - 2014!)
No comments:
Post a Comment