Tuesday, 12 June 2018

ગઝલ

તું નકામું થાકવાનું બંધ કર,
ઘર બરફનું બાંધવાનું બંધ કર.

છીપ શબ્દોની ય ખાલી હોય છે,
અર્થ મોતી શોધવાનું બંધ કર.

શું થયું ને શું થશે ક્યારે થશે?
આમ ઝીણું કાંતવાનું બંધ કર.

ફાન સૌ ભેગા કરી બાંધ્યું નગર,
અશ્રુઓ ત્યાં વાવવાનું બંધ કર.

મોતને હશે ગરજ તો આવશે,
એ દિશામાં તાકવાનું બંધ કર.

હસ્તરેખા પણ પસીને ચમકશે,
તું મફતનું માંગવાનું બંધ કર.

- *આબિદ ભટ્ટ*

No comments:

Post a Comment