Sunday, 28 October 2018

ગઝલ

પીયૂષ ચાવડા.....

ઉધાર પર

હું કદી  જીવી શકું નહિ ભાગ્યના ઉપકાર પર,
નહિ ભરોસો વર્ષ, તિથિ, માસ, તારીખ, વાર પર.

એટલે ભીનું  રહે છે ગાલનું ફળિયું સદા,
યાદ તારી મેં નિચોવી પાંપણોના તાર પર.

રંગ-રંગોળી-પતંગો આ બધું તો ઠીક છે.
ઝૂંપડે દીવો’ય પણ કરવો રહ્યો તહેવાર પર.

‘સ્મિતની વેધક કટારી’, ‘સ્નેહની તલવાર ’- આ,
આગવાં શસ્ત્રો ઉગામો, અંગતોના વાર પર.

અન્નના કણને ઉપાડી, ચાલતી થઇ છે કીડી,
જિંદગી આખી વીતે નહિ, અન્યના આધાર પર.

હા, નદીનું નીર ઝીલવા, ખૂબ  વિસ્તરવું પડે,
ઠાઠ, જલધિનો મળે નહિ, એકલો ઉધાર પર.

No comments:

Post a Comment