Sunday, 28 October 2018

ગઝલ

ગાલગાગા લલગાગા લલગાગા લલગા

ચાલતાં ચાલતાં થાકી જવું પોસાય નહીં
આમ, રણ વચ્ચે જ હાંફી જવું પોસાય નહીં

અણગમી નજરો મહીં મીઠી નજર એક મળે
એ સભાથી ઉઠી ચાલી જવું પોસાય નહીં

રાત થોડી અને, છે વેશ ઘણા બાકી હજી
આંખ ખોલ્યાં પછી ઊંઘી જવું પોસાય નહીં

મેં વચન આપ્યું હતું કે હુંય લાવીશ કશું!
હાથ ઠાલે હવે ખાલી જવું પોસાય નહીં

લાખ યત્નો છતાં પણ હાર મળે, તો શું થયું?
ખેલ પડતો મુકી ભાગી જવું પોસાય નહીં

ભૂલ થઈ તો સજા પણ રાખશું મંજૂર અમે
હાથ ઊંચા  કરી છૂટી જવું પોસાય નહીં

હાથમાં તીર છે ને આંખ દીસે માછલીની
સ્હેજ પણ લક્ષ્યથી ચુકી જવું પોસાય નહીં

કિરણ 'રોશન'

No comments:

Post a Comment