હાડપિંજરો
આ દોડતા ભાગતા વિચારે લિન એવા હાડપિંજરો
ચહેરે ઉદાસી પાનખર પીળા દીન એવા હાડપિંજરો
કાળા કુંડાળા કરચલીઓ તંગ રેખા ને ચહેરે ઉચાટ
લડખડાતા ડગ દિશાહીન બેભાન એવા હાડપિંજરો
કૃશ શરીર આંખે ના મળે નૂર મુખ ગયા છે વિલાય
દોડતા એકઠું કરવા મુઠીભર ધાન એવા હાડપિંજરો
અંજન દહેશતનું આંખમાં શંકા કુશંકા લીધી કાંખમાં
એકાંત ઓથે હવાને પણ ધરે કાન એવા હાડપિંજરો
ક્યાં જશે ક્યાં રોકાશે સવાર થશે ને પછી સાંજ ઢળશે
દોડી દોડી એકઠું કર્યું મેળવવા માન એવા હાડપિંજરો
એક એક કરતા જીવન મુકામો ઘોડાપૂર જેમ વહી ગયા
હુંકારને આડંબર ધરી કરતા ગુમાન એવા હાડપિંજરો
થોડા શ્વાસ ને ધબકાર આછા બીમારી લે બાહુપાશમાં
છોડી જવું સઘળું મોહમાં દેખાઈ મ્લાન એવા હાડપિંજરો
પુત્રપુત્રાદિ ધન વૈભવ વિલાસી જીવન ભોગવી સાહિબી
ઉખડી ગયા પોપડા સઘળું થયું વેરાન એવાં હાડપિંજરો
'હેમ'શ્વાસ હેઠો રાખી બેસ જરા જો આ અનુપમ કુદરતને
સમય સાંચવી લે ભાઈ ક્યારે છૂટે પ્રાણ એવા હાડપિંજરો
ડો.હેમેન્દ્ર જોશી
No comments:
Post a Comment