Tuesday, 10 January 2017

અછાંગસ

કામરૂપદેશ -5

ગજબ કહેવાય દોસ્ત!
સમળી ચિલ્લીલલીલ્લીલ બોલીને
ખીચડિયું પાત્ર કરમાંથી પડાવી જાય
અને ચોખાનો દાણો પડે
મારી મૂછ પર....
એમાંય વાંધો છે તને.

એલ્ફીન્સટન્સ રોડ પર
તવાફ્રાયની બાજુમાંથી પસાર થતાં
ભૂંજેલી-તળેલી માછલીની ગન્ધ
તારાં આ નેત્રને અકળાવી મુકશે
એવું તો વિક્રમાદિત્યની પ્રથમ સંવતમાં
વૈતાળ સ્વગત બોલેલો !
મેં તને એ વાત માંડીને કહી હતી ,જાનુ !!

મેં પ્હેરેલી શ્યામા ભીરુ ચામડીમાં
લસરતો કર્કોટક મને રોજ ગલગલિયાં
કરાવે છે, તને પામતાંની સાથે !
પણ હું અંગુષ્ટવત્ પુરૂષ
મારાં કે તારા પૌરૂષેયને કચડીને
ચગદીને પ્રકાશિત થઇ શકે છે ગમે ત્યારે
વહેમને શરીરની વાડમાંથી ઘેટાંની જેમ
હાંકી કાઢવાનું કહેલું મેં જ તને...
મેં તને જ કહેલુંને જાનુ ?

પરિભાષા અને પ્રતિભાષાનાં
કવચનું નાળવિચ્છેદન કરી
ઊંધતાં ઝડપાઇ ગયેલાં
છીનાળવાં સપનાઓનું હનન કરવા
તને કોઇ બોધગ્રંથ સંભળાવવા
નથી આવ્યો હું.
નથી જ આવ્યો હું.
તો, અપેક્ષાઓનાં આડંબર ઓઢી
શા માટે ચીડવે છે તું મને? મને જ ?

હજી ગઈ કાલની જ ઘટના:
તાજાં કર્મફળને ચીરતાં જ
તક્ષક ચિત્કારી ઊઠ્યો હતો.
બાહુકગ્રાહીતા અભેરાઇએ ચડાવી
ટપકતો નળ બંધ કરી દે, જાનુ !

                - અનિલ વાળા

No comments:

Post a Comment