Tuesday, 11 April 2017

અછાંદસ

*ગીત

પાંદડાએ ખરવાનો નન્નો ભણ્યો અને કુંપળને ફૂટવાના ઓરતાં
છણકો કરીને તેથી કુંપળ બોલી:'નહિ ખરતાં તે પાન બધાં ચોરટા..!'

ઝાડ જેવું ઝાડ જયારે ખુરસી થઇ જાય 'નહિ ખરવા 'ને 'ફૂટવા' વચ્ચે હોડ
પોતીકા સંબંધો હડસેલી બધ્ધામાં આગળ થવાની જ લાગે દોડ ..!
રઘવાયા પંખીઓ માળો કરવાને હવે ફ્લેટમાં બખોલોને શોધતાં.
પાંદડાએ ખરવાનો નન્નો ભણ્યો અને કુંપળને ફૂટવાના ઓરતાં
છણકો કરીને તેથી કુંપળ બોલી:'નહિ ખરતાં તે પાન બધાં ચોરટા..!'

ઝાડ પણ મૂંગું મૂંગું પંપાળે વેદના આ વાત પર હસવું કે રોવું ?
સિમેન્ટના જંગલમાં જેમતેમ એણે પણ જાળવ્યું છે ઝાડ જેવા હોવું.
લાગી આવે છે સાલું ફૂલો પણ જાણે ફ્લાવરવાઝમાં જ મ્હોરતાં..!
પાંદડાએ ખરવાનો નન્નો ભણ્યો અને કુંપળને ફૂટવાના ઓરતાં
છણકો કરીને તેથી કુંપળ બોલી:'નહિ ખરતાં તે પાન બધાં ચોરટા..!'
-પ્રકાશ પરમાર(સુરત)

No comments:

Post a Comment