ગઝલ : - હું કંઇ નહી કહી શકું.
---------------------
લાગણીની વાત છે આ ,ખુદ તું સમજી લે ભલા , હું કંઇ નહી કહી શકું.
હાલ મારા કોક 'દિ તો ,સ્હેજ પૂછી લે ભલા , હું કંઇ નહી કહી શકું.
કેટલું હસવું પડે છે ,રોજ ખિસ્સામાં ,ઘણાં ભીના રુમાલ લઇ,
આંખમાં ઉતરી જરા તું , સ્હેજ ઝાંકી લે ભલા , હું કંઇ નહી કહી શકું.
રોજ જોવું ,રોજ ખોવું ,રોજ થોડું થોડું મરવું ,આ દશા કોને કહું ,
કોક 'દિ તો તું ય મારી જેમ તડપી લે ભલા , હું કંઇ નહી કહી શકું.
કેટલું કામણ ભર્યું છે, આંખમાં તારી સનમ,એની શું ખબર તને ,
મુજ નજરથી આયનામાં ખુદને જોઇ લે ભલા , હું કંઇ નહી કહી શકું.
આ અષાઢી વેદનામાં, કેટલું બળ્યા કરું હું ,એકલો ને એકલો ,
કોક'દિ તો મન મુકીને તું ય વરસી લે ભલા , હું કંઇ નહી કહી શકું.
બોલવાનું મન હતું પણ,એટલી હિંમત નથી કે કાંઇ પણ કહું ,
આંખથી તું આ 'ધમલ'ની આંખ વાંચી લે ભલા , હું કંઇ નહી કહી શકું.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment